
ભારતમાં હાથથી સીવીને તૈયાર કરાયેલું પરંપરાગત જહાજ INSV ‘કૌંડિન્ય’એ 18 દિવસની દરિયાઈ યાત્રા બાદ ઓમાનના મસ્કટ પહોંચીને પોતાની ઐતિહાસિક સફર પૂરી કરી લીધી. બુધવારે જહાજ મસ્કટના કિનારે પહોંચ્યાની પુષ્ટિ થઈ.
જહાજ પર કમાન્ડર વિકાસ શ્યોરાણના નેતૃત્વમાં 16 સભ્યોની ટીમ સવાર હતી. કૌંડિન્ય 29 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાતના પોરબંદરથી પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે રવાના થયું હતું. યાત્રા લગભગ 15 દિવસમાં પૂરી થવાની હતી. જોકે, તેમાં 18 દિવસ લાગ્યા.
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની જાણકારી આપી. તેમણે સ્કિપર કમાન્ડર વિકાસ શ્યોરાણ અને અભિયાન પ્રમુખ હેમંત કુમાર સાથે એક તસવીર પોસ્ટ કરતા લખ્યું- આ ક્ષણનો આનંદ માણી રહ્યા છીએ… અમે કરી બતાવ્યું.

મેમ્બરે કહ્યું- ગુડ મોર્નિંગ ઇન્ડિયા, મસ્કટ દેખાઈ ગયું
જહાજના અન્ય ક્રૂ સભ્ય હેમંતે પોસ્ટ કર્યું- લેન્ડ અહોય! મસ્કટ દેખાઈ ગયું. ગુડ મોર્નિંગ ઇન્ડિયા, ગુડ મોર્નિંગ ઓમાન. દરિયાઈ માર્ગે અટક્યા વિના એકલા વિશ્વનો ચક્કર લગાવનાર પ્રથમ ભારતીય, નિવૃત્ત નૌકાદળ કમાન્ડર અભિલાષ ટોમીએ પણ કૌંડિન્યની ટીમને અભિનંદન પાઠવ્યા.
કૌંડિન્યની ડિઝાઇન અજંતા ગુફાના એક ચિત્ર પર આધારિત
INSV ‘કૌંડિન્ય’ની ડિઝાઇન અજંતા ગુફાઓની 5મી સદીના એક ચિત્ર પર આધારિત છે. ગોવાની એક કંપનીએ લગભગ 2000 વર્ષ જૂની ટાંકા પદ્ધતિથી આ જહાજનું નિર્માણ કર્યું છે. લાકડાના પાટિયામાંથી બનેલા આ જહાજને નારિયેળના રેસાથી સીવવામાં આવ્યું છે.
તેમાં ક્યાંય પણ ખીલાનો ઉપયોગ થયો નથી. જહાજમાં ન તો એન્જિન છે કે ન તો GPS. તેમાં ચોરસ સુતરાઉ સઢ અને પેડલ લાગેલા છે. તે સંપૂર્ણપણે હવાના સહારે, કપડાના સઢથી ચાલે છે. આ પ્રોજેક્ટની કલ્પના સંજીવ સાન્યાલે કરી હતી.
સ્વદેશી રીતે બનેલા આ જહાજના સઢ પર ગંડભેરુંડ અને સૂર્યના પ્રતીકો છે. આગળની બાજુએ સિંહ યાલીની આકૃતિ કોતરવામાં આવી છે, જ્યારે ડેક પર હડપ્પા શૈલીનું પ્રતીકાત્મક પથ્થરનું લંગર લગાવવામાં આવ્યું છે. આ બધા તત્વો પ્રાચીન ભારતીય દરિયાઈ પરંપરાઓને દર્શાવે છે.

કૌંડિન્ય દુનિયાના કોઈપણ નૌકાદળના જહાજથી અલગ
કૌંડિન્યને તૈયાર કરવામાં નૌકાદળે હોડી ઇનોવેશન અને પરંપરાગત કારીગરોની મદદથી કોન્સેપ્ટ ડેવલપમેન્ટથી લઈને ડિઝાઇન, ટેકનિકલ વેલિડેશન અને કન્સ્ટ્રક્શન સુધીના સમગ્ર પ્રોજેક્ટની દેખરેખ રાખી છે. તેની ડિઝાઇન અને કન્સ્ટ્રક્શનમાં અનેક પ્રકારના ટેકનિકલ પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો.
કોઈ જૂનો બ્લુપ્રિન્ટ કે અવશેષ ન હોવાને કારણે તેની ડિઝાઇન કરવી સરળ ન હતી. સીવેલા હલ, લાકડાના ભાગો અને પરંપરાગત સ્ટીયરિંગ મિકેનિઝમથી તૈયાર કરાયેલું આ જહાજ દુનિયામાં ક્યાંય પણ નૌકાદળમાં મોજૂદ કોઈપણ જહાજથી અલગ છે.
તેને કેરળના માસ્ટર શિપરાઇટ બાબુ શંકરનના નેતૃત્વમાં હજારો કારીગરોએ પોતાના હાથે તૈયાર કર્યું છે. આધુનિક વેસલ (જહાજ)થી અલગ આ સીવેલા જહાજમાં ચોરસ સઢ અને સ્ટીયરિંગ બોર્ડ લગાવેલું છે. સ્ટીયરિંગ બોર્ડનો ઉપયોગ સુકાનના આવિષ્કાર પહેલાં જહાજને નિયંત્રિત કરવા માટે કરવામાં આવતો હતો.



