21 મી સદીની આ કાલ્પનિક વાત છે.
બાબાને જન્મ્યાને હજી બે મિનિટ પણ નહોતી થઈ અને ત્યાં એણે ભગવાનને મિસ કોલ લગાડ્યો.
સામે જ ઊભેલી નર્સ તો આ જોઈને સ્તબ્ધ જ થઈ ગઈ.
21 મી સદીની આ અસર
આવડો નાનો બાબો ભગવાનને ફોન કરે ?

એણે બાબાને જ પૂછી લીધું.
‘તે ભગવાનને ફોન કેમ લગાડ્યો.?’
‘મારે એમને ચિંતા મુક્ત કરી દેવા છે, એટલે?’
મારે ભગવાનને જણાવવું છે કે આપ મારી ચિંતા ન કરશો મારો જન્મ સુખરૂપ થઈ ગયો છે.
એમાં ભગવાનને જણાવવાની શું જરૂર છે ?
‘એટલા માટે જરૂર છે કે ગર્ભપાતની બોલબાલા વાળા
આ જમાનામાં સુખરૂપ જન્મ થઈ જવો એ જેવો તેવો ચમત્કાર નથી.’
બાબાએ નર્સ ને જવાબ આપી દીધો.
જન્મથી લઈને આજે 25 /30 35 /40 કે 60 વર્ષ ની વયે પહોંચી ચૂકેલા આપણે ક્યારેય પ્રભુને એ બદલામાં ધન્યવાદ આપ્યા છે ખરા?
પાંચે ઇન્દ્રિયો આજે પણ પોતાના વિષયોને ગ્રહણ કરવામાં સક્ષમ છે. મન આજે પણ સરસ રીતે વિચારી શકે છે એ બદલ પ્રભુ સમક્ષ ક્યારેય આભારની લાગણી વ્યક્ત કરી ખરી?
પગ તંદુરસ્ત તો છે પણ ઇચ્છિત સ્થાને એને લઈ જવાની સ્વતંત્રતા પણ મળી છે. કાન સશક્ત છે એ તો બરાબર છે જ પરંતુ ઇચ્છિત શબ્દોના શ્રવણની સ્વતંત્રતા પણ મળી છે. હાથ હલનચલન કરી શકે તો છે જ પણ ધારી જગ્યાએ એનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા પણ મળી છે એ બદલ ક્યારેય જાતને નસીબદાર માની છે ખરી?



