“હિસાબ મળતો નથી.

“હિસાબ જડતો નથી.”
મંદિરનો પૂજારી એકનાથ રાતે એક વાગે આ વાક્ય બોલે છે. છેલ્લા ચાર કલાકથી મગજની સખત કવાયત કરે છે; એક પૈસાનો હિસાબ મેળવવા માટે; તે ખાતર પાંચ પૈસાની મીણબત્તી બાળી નાંખી.
એકનાથ જીદે ચડ્યો છે. એણે હિસાબ મેળવીને જ રહેવું છે ! “આજે એક પૈસાનો હિસાબ મેળવવાનું જતું કરે; કાલે એક રૂપિયાની ગરબડ નીકળે, પછી સો રૂપિયાની ગરબડ નીકળે, એ કેમ પોષાય ?” એકનાથ મનોમન બોલે છે.
રાતે બે વાગ્યા. હજી હિસાબ મળતો નથી. મંદિરના મહંતજી નિત્યક્રમ પ્રમાણે ઊઠી ગયા. એકનાથના રૂમમાં પ્રકાશ જોઈને બૂમ પાડીને એકનાથને પૂછ્યું કે : “અત્યાર સુધી તે શું કરે છે ? શા માટે જાગતો રહ્યો છે ?”
એકનાથે કહ્યું, “સ્વામીજી ! એક પૈસા કા હિસાબ મિલતા નહિ. હિસાબ ન મિલે તો મુઝકો ચૈન કૈસે પડે ?”
સ્વામીજીએ તેની વાતને સંપૂર્ણપણે માન્ય રાખીને હિસાબ મેળવવા માટે હજી યત્ન કરવા જણાવ્યું.
અને… રાતે ૩ વાગે એક પૈસાનો હિસાબ મળી ગયો. હિસાબ મળતાં જ એકનાથ આનંદથી ઊભરાઈ ગયો. મોટા અવાજે તાળી દઈને તે બોલ્યો, ”મિલ ગયા ભૈયા ! મિલ ગયા. હિસાબ પૂરા મિલ ગયા.”

એકનાથનો આનંદ નિરવધિ હતો. હિસાબ મેળવ્યા બદલ મહંતશ્રીએ તેની પીઠ થાબડવા સાથે શાબાશી આપી.
જનમોજન્મથી ભટકતો જીવ. તેનો હિસાબ ક્યાં મળે છે ?
એક બાજુ પ્રભુભક્તિ કરે છે; બીજી બાજુ પત્ની સાથે ગાળાગાળી કરે છે. એક બાજુ માનવતાના કામ કરે છે; બીજી બાજુ માબાપને ત્રાસ આપે છે : ઘરડાઘરમાં ઘાલી દે છે.
કોઈ સાધુ બન્યો છે, સાધુના વાઘા સજ્યા છે. હજારો ભાવુક શ્રોતાઓને વાણી દ્વારા મંત્રમુગ્ધ કરે છે પણ અત્યંત ખાઉધરો છે અથવા ખૂબ ક્રોધી છે.
કોઈ સાસુ ઘોર તપશ્ચર્યા કરે છે અને વહુઓને ગર્ભપાત કરવાની સખ્તાઈથી ફરજ પાડે છે !
આ કેવો વિરોધાભાસ !
આમાં હિસાબ ક્યાં મળે છે ?
નવાઈની વાત એ છે કે આવા લોકોને પોતાનો હિસાબ મેળવવાની લગીરે ઈચ્છા પણ નથી. એ તો એમ જ ચાલે ! એવી તેમની માન્યતા છે. એટલે આવા બેધામંત જીવન બદલ તેમને કોઈ અફસોસ પણ નથી.
એવા ઘણા સજ્જનો કે સંતોને મેં જોયા છે જેમનું જીવન વિરોધાભાસોથી ભરેલું છે. જેમનો સ્વભાવ ‘પિત્તળ’ છે. જેમની વાણી ‘કડવી’ છે. જેમનું હ્રદય કઠોર છે.
કેટલીકવાર તો મોટા રુસ્તમ જેવા દેખાતા ધર્મી લોકોના જીવનમાં અતિ વિચિત્ર વિરોધાભાસ જોવા મળતો હોય છે.
ધોળકાના દંડનાયક – જિગણ શેઠ-ની વાત કરું.
રાજા વીરધવલે તેને એટલા માટે દંડનાયકનું પદ આપ્યું હતું કે તે અગ્નિશુદ્ધ પ્રામાણિક હતો; મહેનતુ હતો અને કાર્યને ખૂબ વફાદાર હતો. પણ એની વર્તણૂકમાં વધુ પડતી સખ્તાઈ હતી, વાણીમાં કડવાશ હતી; આંખોમાં કરડાકી હતી. તે ગુનેગારને એટલા માટે સખત સજા ફટકારતો કે તેની ધાક સમસ્ત પ્રજામાં એવી પડતી કે એવી ભૂલ કરવા માટે કોઈ વ્યક્તિ કદી હિંમત ન કરે. વિચારી પણ ન શકે.
નગરના ચારણને દંડનાયકના વર્તનનું ’અતિ’ તત્ત્વ ગમતું નહિ. તે વિચારતો કે વીતરાગ ભગવાન નો પરમભક્ત જિગણ શેઠ આટલી બધી સખ્તાઈ શા માટે કરવી જોઈએ ? આ એવા ભગવાનનો ભક્ત છે જે કરુણાના સાગર હતા.
ચારણે દંડનાયકની આંખો ઉઘાડી દેવાનું નક્કી કરીને એક પ્લાન બનાવ્યો. તે મુજબ તેણે રાજના સિપાઈને સાધ્યો. તેને કહ્યું કે તેણે ચારણને દોરડે બાંધીને જિનમંદિરના પ્રવેશદ્વારે લઈ જવો. તે વખતે પ્રભુભક્તિ કરતા દંડનાયકને તેણે પૂછવું કે, ‘ચારણે ઊંટ ચોર્યું છે તો તેને શી સજા કરવી?’
સૈનિકે ચારણે કહ્યું તે પ્રમાણે કર્યું. પુષ્પપૂજા કરી રહેલા દંડનાયકે મૌન રહીને જવાબ દેવા રૂપે જાસૂદનું પુષ્પ હાથમાં લઈને મોં ઉપરની ભારે કરડાકી દાખવવા સાથે તેનું ડીંટું તોડી નાંખ્યું. તેણે એ દ્વારા એવું સૂચવ્યું કે આ રીતે ચારણ-ચોરનું ડોકું કાપી નાંખવું.
એ જ વખત ચારણે ચારણીભાષામાં પદ ગાયું.
એક જિણાને જિણો મળ્યો;
ન ફળ્યો તારણહાર;
જેહ અમારાણ પૂજઈ,
તે કેમ મારણહાર.
દંડનાયકને ભગવાન જિન મળ્યા પણ તેને ફળ્યા નહિ કેમ કે અહિંસાના ફિરસ્તાની પૂજા કરનારો ઘાતક બન્યો છે.
દંડનાયકને પોતાની ભૂલ સમજાઈ. ત્યારથી તેણે સખ્તાઈનો ત્યાગ કર્યો.
આ ગૃહસ્થની વાત કરી. હવે સાધુની વાત કરું.
એ સાધુ એક વાર ગોચરીમાં રાબડી વહોરીને લાવ્યા. એને પોતાને એ રાબડી પીવાની ઈચ્છા હતી અને દાઢ દુખવામાં રાહત મેળવવા માટે ગુરુ પી ગયા. શિષ્યને અતિ ક્રોધ આવી ગયો. ડોસા ગુરુ ગભરાઈ ગયા. સાંજે જ ભાગી ગયા. અન્ય ગચ્છમાં જઈને અનશન કરીને પાંચ દિવસમાં જીવનનો અંત લાવી દીધો.
આ બે પ્રસંગોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જીવનું જીવન કેટલીવાર ખૂબ વિરોધાભાસી હોય છે. એ જોઈને એમ લાગે કે આવા જીવોની જે તે કારવાઈઓનો હિસાબ મળતો નથી.
હું કોણ છું?
આપણું સ્વભાવની કે જીવનની વિષમતાઓને આપણે સ્વીકારીએ તો જીવન ઘણી ગરબડોથી ભરેલું છે તે વાતનો સ્વીકાર તો થાય જ. તે પછી એવા જીવન તરફ અત્યંત નફરત પણ થાય જ. તે પછી આઘાતોની પરંપરા ચાલે જ.



