

દાહોદ તા.૦૬
દાહોદ શહેરમાં આજરોજ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું દાહોદની લીટર ફ્લાવર્સ સ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ત્રી દિવસીય ઉજવણી કરવામાં આવનાર છે. આજના આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દામા, દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષાનું મહત્વ જનજન સુધી પહોંચે તે માટેના પ્રયાસો સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે દાહોદ શહેરમાં આવેલ આદિજાતિ મ્યુઝીયમ ખાતે સંસ્કૃત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની ત્રણ દિવસ સુધી ચાલશે. આ પ્રદર્શનના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની સાથે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ સ્ટાફ મિત્રો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી લીટલ ફ્લાવર્સ સ્કુલ ખાતેથી દાહોદ જિલ્લા કલેક્ટર, દાહોદના ધારાસભ્ય, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતીમાં રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. રેલી શહેરના રળીયાતી વિસ્તાર થઈ દાહોદના આદિજાતિ મ્યુઝીયમ ખાતે પહોંચી હતી જ્યાં ઉપસ્થિત મહાનુભવો દ્વારા સંસ્કૃત પ્રદર્શનીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
