

મહિલાઓ માટેની કાયદાકીય કલમો વિશે પ્રોટેકશન ઓફિસર પંકજ પટેલ દ્વારા વિગતે જાણકારી અપાઈ
સ્ત્રીઓ પોતાના જન્મથી માંડીને મરણ સુધી સતત સંઘર્ષ કરતી હોય છે : જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશી
એક મહિલા તરીકે અભ્યાસ કરવો, નોકરી-કામ કરવું, ઘર સંભાળવું, ઘર બહાર નીકળવું એક પડકાર રૂપ છે : એડવોકેટ તરુણ શર્મા
દાહોદ તા.૦૬
દાહોદમાં સરકારી ઈજનેરી કોલેજ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે સરકારી ઈજનેરી કોલેજ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ – ૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મહિલા અને બાળ વિકાસ અધિકારી રોહન ચૌધરી દ્વારા કારકિર્દી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં એક દીકરી જો ધારે તો ગમે એટલા મુશ્કેલ પડાવ આવે પણ જો પોતે એક દ્રઢ સંકલ્પ લઇ લે તો તે તમામ પડકારોને આંબીને મહેનત થકી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે પ્રોટેકશન ઓફિસર પંકજ પટેલએ પીપીટી દ્વારા વિગતે જાણકારી આપી જણાવ્યું હતું કે, આંતરિક અને સ્થાનિક સમિતિની કામગીરી એક સિવિલ કોર્ટની કામગીરી બરાબર હોય છે. સિવિલ કોર્ટ પાસે જે સત્તા હોય છે એ સત્તા આંતરિક અને સ્થાનિક સમિતિ પાસે હોય છે. વધુમાં તેમણે આંતરિક અને સ્થાનિક સમિતિ ની રચના અને કામગીરી વિશે સમજ આપી હતી. સ્ત્રીઓ પોતાના જન્મથી માંડીને મરણ સુધી સતત સંઘર્ષ કરતી હોય છે, એમ જણાવતાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીએ કહ્યું હતું કે, દીકરીને જન્મવાની તક આપવી જોઈએ. દીકરા-દીકરીને સમાનતા આપી તમામ અધિકાર આપવા જરૂરી છે. અને એની શરૂઆત આપણા ઘરની દીકરીઓથી જ કરવી જોઈએ. દીકરીઓની સ્વતંત્રતા અને સુરક્ષા માટે આજના સમાજની માનસિકતા બદલવાની જરૂર છે. એડવોકેટ તરુણ શર્માએ એક મહિલા તરીકે અભ્યાસ કરવો, નોકરી-કામ કરવું, ઘર સંભાળવું, ઘર બહાર નીકળવું એક પડકાર રૂપ છે, એ બાબતે ચર્ચા કરી જાતિય સતામણી કેવી રીતે થઇ શકે છે, એ માટે ફરિયાદ કોને કરવી, આંતરિક સમિતિના સભ્યો કઈ રીતે ફરિયાદીની ફરિયાદ સાંભળીને એ માટેના પગલાં ભરે છે, બાળકો સહિત મહિલાઓએ પણ ગુડ ટચ અને બેડ ટચ અંગે સતર્ક રહેવું જોઈએ. તેમણે વધુમાં આઈ સી સી, આઈ સી તેમજ શી બોક્ષ વિશે માહિતી આપી જરૂર પડ્યે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ માટે માર્ગદર્શન આપ્યું હતું. કોઈપણ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં શરૂઆત થી જ એનો વિરોધ કરી એને રોકવું જોઈએ. જે બાબત મહિલાઓને અનકમ્ફર્ટેબલ ફિલ કરાવે તે બાબત જાતિય સતામણીમાં ગણી શકાય છે. જો કોઈપણ મહિલા આંતરિક સમિતિ ફરિયાદ કરે તો તેમનું નામ જાહેર કરવામાં આવતું નથી એમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન પ્રોટેકશન ઓફિસર પંકજ પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશી, એડવોકેટ તરુણ શર્મા, કોલેજના આચાર્ય, વિવિધ સરકારી કચેરીઓમાંથી નિમણુંક થયેલ આંતરિક સમિતિના સભ્યઓ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ, ૧૮૧ અભયમની ટીમ, કોલેજ સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
