

દાહોદ તા.૧૬
ઉત્થાન સંસ્થા દ્વારા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પિપેરો ગામની એકલવ્ય આશ્રમ શાળામાં તથા અગાસવાણી ગામની સતનામ આશ્રમ શાળામાં તા. ૧૫ અને ૧૬ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન “જોય પંપ”નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ માટે Prudent Corporate Advisory Service Ltd. દ્વારા નાણાકીય સહયોગ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, તાલુકા સભ્યશ્રી, જિલ્લાસભ્યશ્રી, ગામના આગેવાન ભાઈઓ-બહેનો, આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ, શાળાના સ્ટાફ, આસપાસની શાળાઓના શિક્ષકો, સ્થાનિક સંગઠનના પ્રતિનિધિઓ, પંચાયતના સભ્યો તથા વનિતા સંગઠનના આગેવાન બહેનોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે બાળકોને સમજ આપવામાં આવી કે વીજળી કે સોલાર એનર્જી વગર પણ બોરવેલમાંથી “જોય પંપ” દ્વારા સરળતાથી પાણી ઊંચે લીફ્ટ કરી પાણીના ટાંકા સુધી પહોંચાડી શકાય છે. આ પાણી પીવા, ગાર્ડન માટે તથા બાથરૂમ સુધી ઉપયોગમાં લઈ શકાય છે.
બાળકો સાથે રમતા રમતા પર્યાવરણ પરિવર્તન અને પાણીની અછત જેવી ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ ઊભી કરી અને “જોય પંપ” જેવી સરળ, સસ્તી અને ઉપયોગી તકનીક કેવી રીતે પાણી બચાવવામાં સહાયક બની શકે તે સમજાવ્યું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે એક રસપ્રદ ક્વિઝ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સાચા જવાબ આપનારા બાળકોને ઉત્થાન સંસ્થાની તરફથી ઇનામો આપીને તેમનું પ્રોત્સાહન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં પાણી બચાવવાની જાગૃતિ ઉભી કરવાનો તથા તેના જવાબદારીપૂર્ણ ઉપયોગ અંગે સંદેશ આપવાનો રહ્યો.
“જળ એજ જીવન — જળ બચાવો, જીવન બચાવો” ના ઉત્તમ સંદેશ સાથે શાળાઓને “જોય પંપ” ભેટ આપવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં પર્યાવરણ સંરક્ષણ અને જળ સંભાળ અંગે સામૂહિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની.
